"શૈક્ષણિક માહિતી + સ્પર્ધાત્મ્ક પરીક્ષાને લગતી માહિતી/પરીક્ષા વગેરેની માહિતી શેર કરવા માટે આ બ્લોગના માધ્યમથી એક નાનક્ડો પ્રયાસ કર્યો છે,આશા છે આપ સૌને ગમશે." - મારા આ બ્લોગમા આપનું સ્વાગત છે.
-ગૌરાંગ પટેલ

Sunday, 26 June 2022

વાંસનું શાક વાંસના ફળ, ફૂલ, પાંદડા અને ધડ બધું જ ઉપયોગી

 
દંડકારણ્ય વનપ્રદેશ ડાંગમાં હાલ કુમળા વાંસની સિઝન ચાલી રહી છે ત્યારે અહીં કુમળા વાંસનું શાક તેમજ અથાણું બનાવવામાં આવે છે. કુમળા વાંસને વાંસદી કે વાંસકીલ નામે ઓળખવામાં આવે છે. કુદરતી રીતે ઉગી નીકળતા માનવેલ વાંસના કુમળા અંકુર જેવા પીલાનું અહીંના આદિવાસીઓ શાક બનાવીને ખાય છે. આ ઉપરાંત તેનું અથાણું પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં છેવાડે આવેલા ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે જેનું આયુષ્ય આશરે ચાલીસ વર્ષ જેટલું હોય છે.
જ્યાં સુધી વાંસ પર ફૂલ ન આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહે છે. લગભગ ચાલીસમાં વર્ષે ફૂલો આવ્યા પછી એનું જીવન પૂરું થાય છે. જો કે એ ફૂલોમાંથી જે ફૂલ બંને એ જમીન પર પડવાથી તરત જ નવા વાંસનો જન્મ થાય છે.

વાંસના પાન પાતળા અને લાંબા હોય છે, જેને આગળનો ભાગ ભાલાના ફણાની જેમ અણીવાળો હોય છે. હાલની સિઝનમાં વાંસ સરળતાથી મળી જતા હોવાથી મોટી સંખ્યામાં લોકો તેનો ખાવામાં ઉપયોગ કરે છે જ્યારે ૪૦ વર્ષ બાદ વાંસ ઉપર આવતા બીજમાંથી દળીને રોટલા કે શીરો બનાવી ઉપયોગમાં લેવાય છે. વાંસના ફળ, ફૂલ, પાંદડા અને ધડ બધંુ જ કયાંકને કયાંક કામમાં આવે છે.

આદિવાસી ગામડાંઓમાં વાંસની પટ્ટીઓને ગુંથીને કાચા મકાનોની દીવાલ બનાવવામાં આવે છે અને વાડાને સુરક્ષિત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત બાંધકામ ઉદ્યોગમાં, મકાન બાંધવામાં ઇમારતી લાકડાં તરીકે, ખેત ઓજારો બનાવવામાં આવે છે. પાટલા, હોડી, તરાપા, કમાનો, નદીનાળા પર પુલો, ફર્નિચર, સુપડા, નિસરણી વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. તેમજ વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે. કુમળા વાંસનો વિવિધ ખાદ્ય બનાવટોમાં ઉપયોગ થાય છે, જેને વાસકીલ, વાસદે કે વાંસદી એમ કહેતા હોય છે. કેટલાક લોકો તેને આખું મીઠંુ ભરી સુકવીને અન્ય ઋતુમાં પણ શાક બનાવતા હોય છે.