"શૈક્ષણિક માહિતી + સ્પર્ધાત્મ્ક પરીક્ષાને લગતી માહિતી/પરીક્ષા વગેરેની માહિતી શેર કરવા માટે આ બ્લોગના માધ્યમથી એક નાનક્ડો પ્રયાસ કર્યો છે,આશા છે આપ સૌને ગમશે." - મારા આ બ્લોગમા આપનું સ્વાગત છે.
-ગૌરાંગ પટેલ

Sunday, 26 June 2022

વાંસનું શાક વાંસના ફળ, ફૂલ, પાંદડા અને ધડ બધું જ ઉપયોગી

 
દંડકારણ્ય વનપ્રદેશ ડાંગમાં હાલ કુમળા વાંસની સિઝન ચાલી રહી છે ત્યારે અહીં કુમળા વાંસનું શાક તેમજ અથાણું બનાવવામાં આવે છે. કુમળા વાંસને વાંસદી કે વાંસકીલ નામે ઓળખવામાં આવે છે. કુદરતી રીતે ઉગી નીકળતા માનવેલ વાંસના કુમળા અંકુર જેવા પીલાનું અહીંના આદિવાસીઓ શાક બનાવીને ખાય છે. આ ઉપરાંત તેનું અથાણું પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં છેવાડે આવેલા ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે જેનું આયુષ્ય આશરે ચાલીસ વર્ષ જેટલું હોય છે.
જ્યાં સુધી વાંસ પર ફૂલ ન આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહે છે. લગભગ ચાલીસમાં વર્ષે ફૂલો આવ્યા પછી એનું જીવન પૂરું થાય છે. જો કે એ ફૂલોમાંથી જે ફૂલ બંને એ જમીન પર પડવાથી તરત જ નવા વાંસનો જન્મ થાય છે.

વાંસના પાન પાતળા અને લાંબા હોય છે, જેને આગળનો ભાગ ભાલાના ફણાની જેમ અણીવાળો હોય છે. હાલની સિઝનમાં વાંસ સરળતાથી મળી જતા હોવાથી મોટી સંખ્યામાં લોકો તેનો ખાવામાં ઉપયોગ કરે છે જ્યારે ૪૦ વર્ષ બાદ વાંસ ઉપર આવતા બીજમાંથી દળીને રોટલા કે શીરો બનાવી ઉપયોગમાં લેવાય છે. વાંસના ફળ, ફૂલ, પાંદડા અને ધડ બધંુ જ કયાંકને કયાંક કામમાં આવે છે.

આદિવાસી ગામડાંઓમાં વાંસની પટ્ટીઓને ગુંથીને કાચા મકાનોની દીવાલ બનાવવામાં આવે છે અને વાડાને સુરક્ષિત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત બાંધકામ ઉદ્યોગમાં, મકાન બાંધવામાં ઇમારતી લાકડાં તરીકે, ખેત ઓજારો બનાવવામાં આવે છે. પાટલા, હોડી, તરાપા, કમાનો, નદીનાળા પર પુલો, ફર્નિચર, સુપડા, નિસરણી વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. તેમજ વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે. કુમળા વાંસનો વિવિધ ખાદ્ય બનાવટોમાં ઉપયોગ થાય છે, જેને વાસકીલ, વાસદે કે વાંસદી એમ કહેતા હોય છે. કેટલાક લોકો તેને આખું મીઠંુ ભરી સુકવીને અન્ય ઋતુમાં પણ શાક બનાવતા હોય છે.

Thursday, 13 January 2022

મકરસંક્રાંતિ વિષે...

#છેલે_સુધી_વાચો_મકરસંક્રાંતિ_વિશે 

🔷🔶#મકરસંક્રાંતિ_હાદિઁક_શુભેચ્છા_મિત્રો 🔷🔶
    
     #સૂર્ય_પર_આધારિત_મકરસંક્રાંતિને_હિન્દુ_ધર્મમાં ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. દિવાળી, હોળી, શિવરાત્રિ અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે અને આ બધા જ તહેવાર અંગ્રેજી મહિના અનુસાર ન આવતાં હિન્દુ માસ અને તિથિ મુજબ આવે છે, જ્યારે મકરસંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે અને તેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીએ આવે છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે આપણી ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે.

૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. આવું એટલા માટે કારણ કે સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.
મકરસંક્રાંતિને અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ નામથી ઓળખવા તથા મનાવવામાં આવે છે. જેમ કે, મકરસંક્રાંતિને તમિલનાડુમાં પોંગલ તરીકે, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા કેરળમાં માત્ર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિળ ગુળ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌના મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે
ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.
 પતંગ ઉડાવવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહૂંચ ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાવ્યો હતો.
      #એક_વાર_શ્રીરામનો_પતંગ_ઇન્દ્રલોકમાં_પહોંચી #ગયો. જેને જોઈને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધો અને વિચારવા લાગી, ‘જાસુ ચંગ અસ સુન્દરતાઈ. સો પુરુષ જગ મેં અધિકાઈ’ પતંગ ઉડાવનાર અવશ્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછો ન આવતાં શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાવનારનાં દર્શન કર્યાં પછી જ પતંગ પાછો આપવાનું જણાવ્યું અને શ્રીરામના ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછો આપ્યો.

આ પ્રસંગથી પતંગ ઉડાવવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે
    
#જય_માતાજી
    🔷🔶#જય_શ્રી_રામ🔷🔶🚩

પૌષ્ટિક ગુણોનો ખજાનો ધરાવે છે ‘કાળા તલ’

પૌષ્ટિક ગુણોનો ખજાનો ધરાવે છે ‘કાળા તલ’

ઠંડીની ઋતુ શરૂ થાય એટલે આજે પણ લગભગ બધાં જ ઘરોમાં વિવિધ વસાણા બનવાની સોડમ અચૂક આવે. આર્થિક રીતે સધ્ધર ઘરોમાં અડદિયા પાક કે સૂકા મેવાનો ઉપયોગ કરીને વિવિધ પાક બનાવવામાં આવતો હોય છે. તો કોઈ વળી સૂકા મેવાનો ઉપયોગ આહારમાં ઠંડીની મોસમમાં ભરપૂર માત્રામાં કરવાનો આગ્રહ પણ રાખે છે. હા, સાથે આરોગ્યની જાળવણી માટે વ્યાયામ કરવામાં આવતો જ હોય છે. 

આયુર્વેદ અનુસાર ઠંડીમાં તલનો ઉપયોગ કરવાથી શરીરને ગરમાવો મળે છે. વળી વિવિધ પૌષ્ટિક ગુણો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉત્તરાયણ આવે એટલે ઘરે ઘરે તલની ચિક્કી અચૂક બનતી જોવા મળે છે. સામાન્ય રીતે તલની ચિક્કી બનાવવામાં આપણે સફેદ તલ કે પોલિશ્ડ તલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. શું આપે ક્યારેય કાળા તલનો છૂટથી આહારમાં ઉપયોગ ર્ક્યો છે ખરો? આ વર્ષે ચિક્કી બનાવો તો તેમાં સફેદ તલની સાથે કાળા તલનો પણ સમાવેશ કરજો. ચમત્કારિક ફાયદો આપના સ્વાસ્થ્યને આપ નવા વર્ષે ભેટ સ્વરૂપે આપી શકશો.  

ચાલો આજે આપણે જાણી લઈએ આયુર્વેદ પ્રમાણે કાળા તલના સ્વાસ્થ્યવર્ધક ગુણો. કાળા તલમાં અન્ય તલની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી જોવા મળે છે. સામાન્ય રીતે કાળા તલનો ઉપયોગ કચરિયું કે આયુર્વેદિક દવાઓ બનાવવામાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શિવજીની કૃપા મેળવવા પણ શિવજી ઉપર કાળા તલને ચડાવવામાં આવે છે. કાળા તલ ગરમ પ્રકૃતિ ધરાવે છે. તલની સાથે ગોળ ભેળવીને ખાવાનું પસંદ કરવામાં આવે છે. 

કાળા તલમાં પ્રોટિન, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, કૉપર, મૈંગેનીઝ, ફાઈબર, કાર્બસ્ની સાથે શરીર માટે આવશ્યક તેવી હેલ્થી ફેટની માત્રા પણ સમાયેલી છે. 

તલના ત્રણથી ચાર પ્રકાર બજારમાં મળી રહે છે. જેવા કે કાળા તલ, સફેદ પોલિશ્ડ તલ, સાદા તલ, ઓર્ગેનિક તલ, બ્રાઉન તલ.
ભારતમાં કાળા તલની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં તલનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ 22.3 ટકા થાય છે. પશ્ર્ચિમ બંગાળ બીજા નંબરે 19.2 ટકાના ઉત્પાદન સાથે આવે છે. કર્ણાટકા 13.5 ટકા સાથે ત્રીજા નંબરે આવે છે. રાજસ્થાન 9.8 ટકા સાથે ચોથા નંબરે આવે છે. મધ્ય પ્રદેશ 9.06 ટકા સાથે પાંચમું સ્થાન ધરાવે છે. તામિલનાડુ 4.7 ટકા સાથે છઠ્ઠું સ્થાન ધરાવે છે. તો આંધ્ર પ્રદેશ 4.52 ટકા સાથે સાતમા ક્રમાંકે આવે છે. આઠમા ક્રમાંકે મહારાષ્ટ્ર 4.52 ટકા તલનું ઉત્પાદન કરે છે. 
વિશ્વમાં તલના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમાંકે આવે છે. બીજા ક્રમાંકે ચીન તથા ત્રીજા ક્રમાંકે મ્યાનમાર આવે છે. કાળા તલનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો યોગ્ય છે. તલની પસંદગી કરતી વખતે તેનો રંગ ઘેરો કાળો હોય તે જોઈ લેવું. ક્યારેક તેની ઉપર ફૂગ લાગી જતી હોય છે. તો તેવા કાળા તલનો ઉપયોગ ટાળવો. 

• બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે 
કાળા તલમાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં આ પોષક તત્ત્વ અત્યંત ઉપયોગી પુરવાર થયેલું છે. કાળા તલમાં પૉલિસેચ્યુરેટેડ ફેટ તથા સી-સેમિન કમ્પાઉન્ડની માત્રા સમાયેલી છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરની તકલીફથી પીડાતી વ્યક્તિએ કાળા તલનો ઉપયોગ આહારમાં નિયમિત કરવો જોઈએ. કાળા તલમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે તેવો ઍન્ટિ-હાઈપરટેંસિંવ પ્રભાવ જોવા મળે છે.

• રોગપ્રતિરોધક શક્તિ વધારવામાં ઉપયોગી
 કાળા તલમાં કૉપરની માત્રા સમાયેલી છે. કૉપર એક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 

• ત્વચા માટે ગુણકારી  
કાળા તલમાં સેસમિન, સેસમોલિન નામક સત્ત્વ સમાયેલાં છે. જે વિટામિન ઈની માત્રા શરીરમાં વધારે છે. વિટામિન ઈની માત્રા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય તો ત્વચા સ્વસ્થ તથા ચમકદાર બને છે. કાળા તલનો ઉપયોગ આહારમાં કરવાથી ત્વચા વય વધવાની સાથે કરચલી વાળી કે લબડી પડે તેવી બનતી નથી ત્વચાની ચમક જળવાઈ રહે છે.

• વાળની તંદુરસ્તી માટે ઉપયોગી 
કાળા તલમાં વિટામિન બી તથા આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. શરીરમાં વિટામિન બી તથા આયર્નની ઊણપ સર્જાય તો કસમયે વાળ સફેદ થવા કે વાળ ખરવા લાગે છે. વાળના આરોગ્ય માટે પણ કાળા તલનો ઉપયોગ અકસીર ગણાય છે. કાળા તલનું તેલ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ વાળમાં કરવાથી વાળની તંદુરસ્તી જળવાઈ રહે છે.

• પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ 
કબજિયાતની તકલીફ આજે અનેક લોકોને સતાવતી હોય છે. કાળા તલમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. મળ ત્યાગ માટે ફાઈબર અત્યંત ઉપયોગી ગણાય છે. કાળા તલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર સમાયેલું છે. વિવિધ વ્યંજનોમાં તલનો ઉપયોગ કરીને કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકાય છે. તલમાં સમાયેલું પ્રાકૃતિક તેલ પેટમાં પડતાં કીડાને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. પાચનતંત્ર મજબૂત બનાવવાની સાથે તલનું સેવન આંતરડાને પણ આરામ આપે છે. 

• ઍન્ટિ ઑક્સિડન્ટની માત્રા ભરપૂર
કાળા તલમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ભારતની કાનપુર સ્થિત ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચરલ તથા ટૅક્નોલૉજી દ્વારા કરવામાં આવેલા કાળા તલ ઉપરના સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે તલમાં સેસમોલિન તથા સેસમિન નામક લિગનેન કમ્પાઉન્ડ સમાયેલું જોવા મળે છે. જે ઍન્ટિ ઑક્સિડન્ટનો પ્રભાવ ધરાવે છે. લીવરને ઑક્સિડેટિવ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. 

• કૅન્સરની સમસ્યાથી બચાવવામાં ઉપયોગી કૅન્સરના પ્રભાવથી બચવું હોય તેમણે અન-પોલિશ્ડ તલની સાથે કાળા તલનો પણ આહારમાં ઉપયોગ કરવો આવશ્યક છે. કાળા તલમાં સમાયેલું લિગનેન નામક સત્ત્વ ઍન્ટિ કેન્સર પ્રભાવ ધરાવે છે.  આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં કૅન્સર સેલ વધવાની પ્રક્રિયા ધીમી પડી જતી હોય છે. વિવિધ કૅન્સરની વિવિધ બીમારી જેવી કે લંગ કૅન્સર, બ્રેસ્ટ કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર તથા બ્લડ કૅન્સરથી બચવામાં મદદરૂપ બને છે. કૅન્સરની બીમારીમાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરાવવી આવશ્યક છે. તલનો આહારમાં ઉપયોગ કરવાથી બીમારીથી બચવામાં મદદ મળે છે. તેમ છતાં ગંભીર બીમારીમાં ડૉક્ટરનાં સલાહ-સૂચના પ્રમાણે આહારમાં તલનો સમાવેશ કરી શકાય છે. 

• હાડકાંને મજબૂત બનાવવામાં ઉપયોગી
કાળા તલમાં કૅલ્શિયમ તથા ઝિંકની માત્રા ભરપૂર પ્રમાણમાં સમયોલી છે. કાળા તલનું ઠંડીમાં સેવન કરવાથી શરીરને હાડકાંની બીમારીથી સુરક્ષા પ્રદાન કરી શકાય છે. 

- કાળા તલનો ઉપયોગ તંદુરીરોટી-નાનની ઉપર ભભરાવીને કરી શકાય છે. 
- ઢોકળા -હાંડવામાં પણ કાળા તલને સજાવટ માટે ઉપયોગમાં લઈ શકાય છે. 
- ચિક્કી બનાવતી વખતે પણ સફેદ -કાળા તલની માત્રા એક સરખી લઈ શકાય છે. 
- સલાડ-સૂપમાં શેકીને તૈયાર કરેલા કાળા તલનો ઉપયોગ કરી શકાય છે. 
- મુરક્કુ કે ચકરી બનાવવામાં પણ સફેદ તલની સાથે કાળા તલનો ઉપયોગ પણ કરી શકાય છે. 
- કુકીઝ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે.

@ કાળા તલનું કચરિયું  
બજારમાં કચરિયું આસાનીથી મળી જતું હોય છે. તેમ છતાં ઘરમાં બનાવેલું શુદ્ધ કચરિયું બનાવવાનો આનંદ આજના કોરોનાકાળમાં વધુ મળે છે.

સામગ્રી : 100 ગ્રામ કાળા તલ, અડધો કપ ખજૂર, 1 ચમચી ગંઠોળા પાઉડર, 1 ચમચી સૂંઠ પાઉડર, અડધો કપ સૂકા કોપરાનું છીણ, સજાવટ માટે કાજુ-બદામ. 85 ગ્રામ  ઝીણો સમારેલો ગોળ.

બનાવવાની રીત : તલને સૌ પ્રથમ અધકચરા વાટી લેવા. ગોળ, ખજૂર, સૂકા કોપરાનું છીણ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર બધું જ મિક્સરમાં અધકચરું વાટી લેવું. 
વધુ પડતું વટાઈ જાય નહીં તેનું ધ્યાન રાખવું. અન્યથા તલમાંથી તેલ છૂટું પડી જશે. માટે ધીમે ધીમે ધકચરું વાટી લેવું. બરાબર વટાઈ જાય એટલે એક કથરોટમાં કાઢીને બરાબર હાથેથી ભેળવી લેવું. હવાબંધ ડબ્બામાં ભરીને ઉપરથી કાજુ-બદામથી સજાવીને તાજેતાજું ઉપયોગમાં લેવું. કાળા તલનું કચરિયું સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. 

તલનો ઠંડીમાં ભરપૂર માત્રામાં ઉપયોગ કરતાં સમયે તેમાં કાળા તલનો પણ સમાવેશ કરવાથી શરીરને વર્ષભરની આરોગ્યની ભેટ સ્વયંને આપ આપો છો.

Saturday, 8 January 2022

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી . સિંધુતાઈ કોણ હતા ? વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા.

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી . સિંધુતાઈ કોણ હતા ? વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા.

મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.

આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી. આવા દિવસોમાં કોઇપણ સ્ત્રીને સૌથી વધુ સહકાર એના પતિ તરફથી મળતો હોય એ સ્વાભાવિક છે. પતિના પ્રેમને કારણે બધી તકલીફોને એ સહજતાથી સહી લેતી હોય છે પરંતું આ યુવતિનું નસિબ કંઇક જુદી રીતે જ લખાયુ હશે એટલે જે સમયે પતિ એમની સાથે હોવો જોઇએ એવા સમયે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.

ડોકટર અને નર્સની સેવા તો એકબાજુ રહી અહીંયા તો મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. તાજી જન્મેલી બાળકીની નાળ કાપવા માટે કોઇ સાધન ન હોવાના કારણે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કરીને તેનાથી નાળ કાપી. બાળકના જન્મ પછી માતાને ખુબ નબળાઇ રહે તે સ્વાભાવિક છે આવી પરિથિતીમાં પણ બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. બાપના ઘર સુધી પહોંચતા એને કેવી પીડા થઇ હશે તેની કલ્પના માત્ર પણ આપણને ધુજાવી દે છે તો જેણે આ પીડા અનુભવી હોય એની સ્થિતી કેવી હશે. પિતાના ઘરે પણ દિકરીને આવી ગંભીર હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. બાપના ઘરનો દરવાજો પણ બંધ થઇ જતા આ યુવતી સાવ પડીભાંગી અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. વિચાર એના પર કબજો જમાવે એ પહેલા થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.

પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે અનુકંપા જાગી. આ મા વગરના બાળકની મા બનીને એમના માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત થયેલી આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.

સિંઘુતાઈ સપકાલે કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર એકાદ બે નહી પરંતું 1400થી વધુ બાળકોને મા બનીને સાચવ્યા છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. ભીખ માંગવાનું બંધ કરીને ભણવાની શરુઆત કરનાર આ બાળકો સમાજમાં આજે સન્માનનિય સ્થાને પહોંચ્યા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. સુન્ધુતાઇને ૨૦૦થી વધુ જમાઇ છે અને ૪૦થી વધુ પુત્રવધુઓ છે. એમની પોતાની દિકરીને બીજા બાળકો કરતા વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજા બાળકોને અન્યાય ન થઇ જાય એ માટે સિન્ધુતાઇએ એની દિકરીને પોતાનાથી દુર કરી જે દિકરી પણ આજે માના રસ્તે ચાલીને અનાથ બાળકો માટેની સંસ્થા ચલાવતા હતા.

આ જગદંબાએ અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અજવાળા પાથરીને પ્રભુના ઘરે જવા વિદાય લીધી છે. તાઈ આપના સંઘર્ષ, સમર્પણ અને સેવાને કોટી કોટી વંદન.

Thursday, 30 December 2021

શિયાળામાં વિશિષ્ટ આકાર ધરાવતા શિંગોડા ખાવાના ફાયદા

શિયાળામાં વિશિષ્ટ આકાર ધરાવતા શિંગોડા ખાવાના ફાયદા
તમે ચાહો કે ન ચાહો, પરંતુ પ્રકૃતિ કે કુદરતના કરિશ્માની અજાયબી આશ્ર્ચર્ય પમાડે તેવી હોય છે. માનવીને બુદ્ધિમાન બનાવ્યા તો તેમણે સર્જેલી પ્રત્યેક વસ્તુમાં ગુણો તથા રૂપનો ખજાનો પણ સમાવી દીધો. પશુ-પંખીને પણ ખાસ રંગ-રૂપ-અવાજની ભેટ આપી તો ફળ-ફૂલને પણ રંગબેરંગી બનાવીને ખાસ સુગંધ તથા પૌષ્ટિકતા સમાવી દીધી. ઝરણાં-તળાવ-નદી-દરિયાનાં પાણીમાં પણ રંગની મહેફિલ જમાવીને સર્વસ્વ એક અજ્ઞાત શક્તિની અનુભૂતિ માનવીને કરાવી છે. 

હવે ખાસ વાત તો એ છે કે માનવીને સો ટકા ખ્યાલ છે કે કુદરતની અજાયબી પાસે તે વામણો છે. તેમ છતાં પોતાના ગર્વમાં રહીને પ્રાકૃતિક સંપત્તિને અકારણ નુકસાન પહોંચાડતો રહે છે. ક્યારેક તો પોતાના સ્વાર્થ ખાતર પણ પાંદડાં તોડીને કે ફૂલો ચૂંટીને બે મિનિટ સૂંઘીને જમીન ઉપર ફેકી દે છે કે પછી ગમે ત્યાં કચરો ફેંકીને કંઈ બન્યું જ નથી તેમ ગર્વથી ફરવા લાગે છે. એટલે જ એવું લાગી રહ્યું છે કે ઈશ્ર્વરે કે કુદરતે માનવીને શીખ આપવા અદૃશ્ય વાઇરસને ધરતી ઉપર છોડીને અભિમાનમાં બેધ્યાન બનેલા માનવીના ગર્વને તોડવાની શરૂઆત કરી દીધી છે. હજી પણ સમય વીતી ગયો નથી. આપણે ચેતી જવાની જરૂર છે.
ફળ તો તમે અનેક ચાખ્યાં હશે, જેમ કે કેળાં, કેરી, દ્રાક્ષ, દાડમ, પપૈયું, સક્કરટેટી, સંતરા તથા શિંગોડા. પ્રત્યેકનો આકાર તથા રંગ-સ્વાદ અદ્ભુત જોવા મળે છે. પછી ભલેને નાની અમથી દ્રાક્ષ હોય કે દાડમ, કેરી હોય કે કેળાં, પપૈયું હોય કે સક્કરટેટી કે પછી વિશિષ્ટ આકાર ધરાવતું ફળ શિંગોડા હોય. દરેક માનવીમાં જેમ ખાસ ગુણો છુપાયેલા હોય છે તે જ પ્રમાણે પ્રત્યેક ફળમાં પણ ખાસ ગુણો સમાયેલા હોય છે.
શિંગોડાના આકારની વાત કરીએ તો ત્રિકોણ જોવા મળે છે. ખાસ કરીને શિયાળામાં તે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિંગોડા તેના વિશિષ્ટ સ્વાદને કારણે પોતાની આગવી ઓળખ ધરાવે છે. શિંગોડા માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે, આથી તેમને નૈવેદ્ય ધરાવતી વખતે શિંગોડા ખાસ ધરાવવામાં આવે છે. એવી પણ લોકવાયકા છે કે માતા લક્ષ્મીને શિંગોડાનો ભોગ ધરાવવાથી તે ભક્તોની મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે. 

શિંગોડાનો ઉપયોગ ફરાળમાં પણ ખાસ કરવામાં આવે છે. શિંગોડા લીલા તથા સૂકા તેમ બે પ્રકારના બજારમાં મળતા હોય છે. લીલા શિંગોડાનો રંગ લીલો હોય છે. વળી તેના બહારના પડ ઉપર બે-ત્રણ કાંટા પણ ઊગેલા જોવા મળે છે. સામાન્ય રીતે તળાવના પાણીમાં શિંગોડાનો પાક લેવામાં આવે છે. તેના પાનનો આકાર ત્રિકોણ તથા મુલાયમ હોય છે. તેનાં ફૂલ તળાવના પાણીની બહાર દેખાતાં હોય છે. શિંગોડાનું ફળ ત્રિકોણ ચપટું જોવા મળે છે. ફળની ઉપર ખાસ પડ જોવા મળે છે, જે અંદરના ફળને મુલાયમ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાં બીજ સફેદ રંગનાં હોય છે. શિંગોડાનાં મૂળિયાં પાણીમાં ડૂબેલાં લીલા રંગનાં જોવા મળે છે. 

લગભગ બધાને જ અનુભવ હશે કે વડીલો વારંવાર કહેતા કે મોસમી ફળનો આનંદ માણવો જ જોઈએ. શિયાળામાં મળતા ફળ તરીકે ઓળખ ધરાવતા શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી અનેક રોગમાં ફાયદો થાય છે, જેમ કે વાત-પિત્ત-કફને ઘટાડવાની સાથે વીર્યને વધારવામાં, ગાઢું બનાવવામાં મદદ કરે છે. રક્તપિત્ત તથા મોટાપાને ઘટાડવા માગતી વ્યક્તિએ પણ શિંગોડાનો આહારમાં મોસમી ફળ તરીકે ઉપયોગ કરવો જોઈએ. 

શિંગોડાનું વૈજ્ઞાનીક નામ છે ટ્રાપા નટન્સ (Trapa natans). તે લીથ્રેસી (Lythraceae) કુળનું ફળ ગણાય છે. અંગ્રેજીમાં તેને વૉટર કેલ્ટ્રોપ કે ઈન્ડિયન વૉટર ચેસ્ટનટ કે સિંગારા નટ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ત્રિકોણફલ કે જળફળ કહેવામાં આવે છે. ગુજરાતીમાં શિંઘ્રોડા કે શિંગોડા, બંગાળીમાં પાનિફલ, મરાઠીમાં સિંગાડા કે સિંઘાડે કે શેંગાડે, તેલુગુમાં કુબ્યકમ, તમિળમાં ચિંમકારા, પંજાબીમાં ગૉનરી કહેવામાં આવે છે.

100 ગ્રામ કાચા શિંગોડામાં 97 કેલરી, 0.1 ગ્રામ ફેટ, 23.9 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ પ્રોટીન તથા રાઈબોફ્લેવિન પણ સમાયેલું જોવા મળે છે. શિંગોડામાં વિટામિન એ, વિટામિન સી, સેટ્રિક એસિડ, ફોસ્ફરસ, નિકોટિનિક એસિડ, મેંગેનીઝ, થિયામિન, કૅલ્શિયમ, ઝિંક તથા સોડિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી પ્રોટીન ડાયેટરી ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ સારું હોવાને કારણે શિંગોડાનો ઉપયોગ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કરવો આવશ્યક છે.

શિંગોડાનો પાક મુખ્યત્વે બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, તથા મધ્ય પ્રદેશમાં થાય છે. તળાવમાં તેની ખેતી કરવામાં આવે છે.  

© શિંગોડાના આરોગ્યપ્રદ ફાયદા
• ડિહાઈડ્રેશનની તકલીફમાં ગુણકારી
ઠંડીની મોસમમાં લોકો સામાન્ય રીતે પાણી પીવાનું ઘટાડી દેતા હોય છે. ગરમીમાં પાણીની તરસ લાગતી હોય છે તેટલી ઠંડીની મોસમમાં લાગતી નથી. અનેક વખત પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની તકલીફ થવા લાગે છે, આથી ઠંડીમાં ડિહાઈડ્રેશનની તકલીફ દૂર કરવામાં શિંગોડા લાભકારી ગણાય છે. શરીરને ઠંડક આપવાની સાથે વારંવાર દસ્તની તકલીફમાં પણ ફાયદેમંદ ગણાય છે.

• ત્વચાને ચમકદાર બનાવે છે
શિયાળામાં બીજી ખાસ તકલીફ ત્વચા સૂકી પડવાની થાય છે. આવા સંજોગોમાં શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરમાં પાણીની ઊણપ દૂર થાય છે. ત્વચા સૂકી પડતી અટકે છે. ત્વચામાં મોઈશ્ર્ચરની માત્રા જળવાઈ રહેવાને કારણે બરછટ બનતી અટકે છે.

• અનિદ્રાની તકલીફમાં લાભદાયી
શિંગોડામાં પોલિફેનોલિક તથા ફ્લેવોનોઈડ નામક ઍન્ટિ-ઑક્સિડન્ટ સમાયેલાં છે. વળી ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-કેન્સરના ગુણો પણ શિંગોડામાં ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે. શિંગોડાનું સેવન પ્રમાણભાન સાથે કરવાથી અનિદ્રાની તકલીફમાં રાહત મળે છે.

• કમળામાં ફાયદાકારક
શિંગોડામાં ડિટોક્સિફિકેશનના ગુણો સમાયેલા છે, આથી કમળાની તકલીફમાં તે અત્યંત ગુણકારી ગણાય છે. તેને કાચા ખાવાથી કે તેનો જ્યુસ બનાવીને પીવાથી દર્દીના શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. તેને લીધે કમળાના દર્દીને રાહત મળે છે.

• એડી ફાટી જવાની તકલીફમાં ગુણકારી
શિયાળામાં એડી ફાટી જવાની તકલીફ ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે. એડી ફાટી જવાનું મુખ્ય કારણ શરીરમાં મેંગેનીઝની ઊણપ ગણાય છે. શિંગોડા એક એવું ફળ છે જેમાં મેંગેનીઝની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી તેના સેવાનથી શરીરમાં લોહીની ઊણપ જણાતી હોય તેમને ફાયદો થાય છે.

• થાઈરોઈડ રોગમાં લાભદાયક
શિંગોડા શરીરને પૂરતા પ્રમાણમાં ઊર્જા બક્ષે છે, આથી ઉપવાસમાં તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. શિંગોડાના લોટનો શીરો, શિંગોડાના લોટનાં થેપલાં, શિંગોડાના લોટની સેવ, શિંગોડાના લોટની કઢી વગેરે સરળતાથી બનાવીને ખાઈ શકાય છે. શિંગોડામાં આયોડિનની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે, આથી ગળાના રોગમાં રક્ષણ પૂરું પાડે છે. શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી થાઈરોઈડ ગ્રંથીને તેનું કામ સુચારુ રૂપથી કરવામાં સહાય મળે છે. થાઈરોઈડની સમસ્યા હોય તેમને માટે શિંગોડા અત્યંત ગુણકારી ફળ ગણાય છે.

• હાડકાં મજબૂત બનાવે છે
શિંગોડામાં કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે, જેથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી હાડકાં બરડ બનવાની તકલીફમાં રાહત મળે છે. દાંતની મજબૂતાઈ જાળવી રાખવામાં પણ મદદ મળે છે. શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ પ્રદાન કરે છે. 

• ગર્ભાવસ્થામાં ગુણકારી 
સિંગોડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન સમાયેલું હોય છે. વળી આયર્ન તથા ફોલેટની માત્રા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. ગર્ભાવસ્થામાં શરીરમાં ફોલેટની માત્રા જળવાઈ રહે તે ગર્ભસ્થ શિશુના વિકાસ માટે આવશ્યક છે. આયર્નની પૂરતી માત્રા શરીરમાં લાહીની ઊણપ દૂર કરવામાં મદદ કરે છે. 
એવું પણ કહેવાય છે કે ગર્ભાવસ્થાના છેલ્લા માસમાં શિંગોડાનું સેવન કરવાથી પ્રસૂતિની પીડાથી બચી શકાય છે.