પૌષ્ટિક ગુણોનો ખજાનો ધરાવે છે ‘કાળા તલ’
ઠંડીની ઋતુ શરૂ થાય એટલે આજે પણ લગભગ બધાં જ ઘરોમાં વિવિધ વસાણા બનવાની સોડમ અચૂક આવે. આર્થિક રીતે સધ્ધર ઘરોમાં અડદિયા પાક કે સૂકા મેવાનો ઉપયોગ કરીને વિવિધ પાક બનાવવામાં આવતો હોય છે. તો કોઈ વળી સૂકા મેવાનો ઉપયોગ આહારમાં ઠંડીની મોસમમાં ભરપૂર માત્રામાં કરવાનો આગ્રહ પણ રાખે છે. હા, સાથે આરોગ્યની જાળવણી માટે વ્યાયામ કરવામાં આવતો જ હોય છે.
આયુર્વેદ અનુસાર ઠંડીમાં તલનો ઉપયોગ કરવાથી શરીરને ગરમાવો મળે છે. વળી વિવિધ પૌષ્ટિક ગુણો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઉત્તરાયણ આવે એટલે ઘરે ઘરે તલની ચિક્કી અચૂક બનતી જોવા મળે છે. સામાન્ય રીતે તલની ચિક્કી બનાવવામાં આપણે સફેદ તલ કે પોલિશ્ડ તલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. શું આપે ક્યારેય કાળા તલનો છૂટથી આહારમાં ઉપયોગ ર્ક્યો છે ખરો? આ વર્ષે ચિક્કી બનાવો તો તેમાં સફેદ તલની સાથે કાળા તલનો પણ સમાવેશ કરજો. ચમત્કારિક ફાયદો આપના સ્વાસ્થ્યને આપ નવા વર્ષે ભેટ સ્વરૂપે આપી શકશો.
ચાલો આજે આપણે જાણી લઈએ આયુર્વેદ પ્રમાણે કાળા તલના સ્વાસ્થ્યવર્ધક ગુણો. કાળા તલમાં અન્ય તલની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી જોવા મળે છે. સામાન્ય રીતે કાળા તલનો ઉપયોગ કચરિયું કે આયુર્વેદિક દવાઓ બનાવવામાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શિવજીની કૃપા મેળવવા પણ શિવજી ઉપર કાળા તલને ચડાવવામાં આવે છે. કાળા તલ ગરમ પ્રકૃતિ ધરાવે છે. તલની સાથે ગોળ ભેળવીને ખાવાનું પસંદ કરવામાં આવે છે.
કાળા તલમાં પ્રોટિન, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, કૉપર, મૈંગેનીઝ, ફાઈબર, કાર્બસ્ની સાથે શરીર માટે આવશ્યક તેવી હેલ્થી ફેટની માત્રા પણ સમાયેલી છે.
તલના ત્રણથી ચાર પ્રકાર બજારમાં મળી રહે છે. જેવા કે કાળા તલ, સફેદ પોલિશ્ડ તલ, સાદા તલ, ઓર્ગેનિક તલ, બ્રાઉન તલ.
ભારતમાં કાળા તલની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં તલનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ 22.3 ટકા થાય છે. પશ્ર્ચિમ બંગાળ બીજા નંબરે 19.2 ટકાના ઉત્પાદન સાથે આવે છે. કર્ણાટકા 13.5 ટકા સાથે ત્રીજા નંબરે આવે છે. રાજસ્થાન 9.8 ટકા સાથે ચોથા નંબરે આવે છે. મધ્ય પ્રદેશ 9.06 ટકા સાથે પાંચમું સ્થાન ધરાવે છે. તામિલનાડુ 4.7 ટકા સાથે છઠ્ઠું સ્થાન ધરાવે છે. તો આંધ્ર પ્રદેશ 4.52 ટકા સાથે સાતમા ક્રમાંકે આવે છે. આઠમા ક્રમાંકે મહારાષ્ટ્ર 4.52 ટકા તલનું ઉત્પાદન કરે છે.
વિશ્વમાં તલના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમાંકે આવે છે. બીજા ક્રમાંકે ચીન તથા ત્રીજા ક્રમાંકે મ્યાનમાર આવે છે. કાળા તલનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો યોગ્ય છે. તલની પસંદગી કરતી વખતે તેનો રંગ ઘેરો કાળો હોય તે જોઈ લેવું. ક્યારેક તેની ઉપર ફૂગ લાગી જતી હોય છે. તો તેવા કાળા તલનો ઉપયોગ ટાળવો.
• બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
કાળા તલમાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં આ પોષક તત્ત્વ અત્યંત ઉપયોગી પુરવાર થયેલું છે. કાળા તલમાં પૉલિસેચ્યુરેટેડ ફેટ તથા સી-સેમિન કમ્પાઉન્ડની માત્રા સમાયેલી છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરની તકલીફથી પીડાતી વ્યક્તિએ કાળા તલનો ઉપયોગ આહારમાં નિયમિત કરવો જોઈએ. કાળા તલમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે તેવો ઍન્ટિ-હાઈપરટેંસિંવ પ્રભાવ જોવા મળે છે.
• રોગપ્રતિરોધક શક્તિ વધારવામાં ઉપયોગી
કાળા તલમાં કૉપરની માત્રા સમાયેલી છે. કૉપર એક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
• ત્વચા માટે ગુણકારી
કાળા તલમાં સેસમિન, સેસમોલિન નામક સત્ત્વ સમાયેલાં છે. જે વિટામિન ઈની માત્રા શરીરમાં વધારે છે. વિટામિન ઈની માત્રા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય તો ત્વચા સ્વસ્થ તથા ચમકદાર બને છે. કાળા તલનો ઉપયોગ આહારમાં કરવાથી ત્વચા વય વધવાની સાથે કરચલી વાળી કે લબડી પડે તેવી બનતી નથી ત્વચાની ચમક જળવાઈ રહે છે.
• વાળની તંદુરસ્તી માટે ઉપયોગી
કાળા તલમાં વિટામિન બી તથા આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. શરીરમાં વિટામિન બી તથા આયર્નની ઊણપ સર્જાય તો કસમયે વાળ સફેદ થવા કે વાળ ખરવા લાગે છે. વાળના આરોગ્ય માટે પણ કાળા તલનો ઉપયોગ અકસીર ગણાય છે. કાળા તલનું તેલ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ વાળમાં કરવાથી વાળની તંદુરસ્તી જળવાઈ રહે છે.
• પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ
કબજિયાતની તકલીફ આજે અનેક લોકોને સતાવતી હોય છે. કાળા તલમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. મળ ત્યાગ માટે ફાઈબર અત્યંત ઉપયોગી ગણાય છે. કાળા તલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર સમાયેલું છે. વિવિધ વ્યંજનોમાં તલનો ઉપયોગ કરીને કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકાય છે. તલમાં સમાયેલું પ્રાકૃતિક તેલ પેટમાં પડતાં કીડાને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. પાચનતંત્ર મજબૂત બનાવવાની સાથે તલનું સેવન આંતરડાને પણ આરામ આપે છે.
• ઍન્ટિ ઑક્સિડન્ટની માત્રા ભરપૂર
કાળા તલમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ભારતની કાનપુર સ્થિત ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચરલ તથા ટૅક્નોલૉજી દ્વારા કરવામાં આવેલા કાળા તલ ઉપરના સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે તલમાં સેસમોલિન તથા સેસમિન નામક લિગનેન કમ્પાઉન્ડ સમાયેલું જોવા મળે છે. જે ઍન્ટિ ઑક્સિડન્ટનો પ્રભાવ ધરાવે છે. લીવરને ઑક્સિડેટિવ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
• કૅન્સરની સમસ્યાથી બચાવવામાં ઉપયોગી કૅન્સરના પ્રભાવથી બચવું હોય તેમણે અન-પોલિશ્ડ તલની સાથે કાળા તલનો પણ આહારમાં ઉપયોગ કરવો આવશ્યક છે. કાળા તલમાં સમાયેલું લિગનેન નામક સત્ત્વ ઍન્ટિ કેન્સર પ્રભાવ ધરાવે છે. આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં કૅન્સર સેલ વધવાની પ્રક્રિયા ધીમી પડી જતી હોય છે. વિવિધ કૅન્સરની વિવિધ બીમારી જેવી કે લંગ કૅન્સર, બ્રેસ્ટ કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર તથા બ્લડ કૅન્સરથી બચવામાં મદદરૂપ બને છે. કૅન્સરની બીમારીમાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરાવવી આવશ્યક છે. તલનો આહારમાં ઉપયોગ કરવાથી બીમારીથી બચવામાં મદદ મળે છે. તેમ છતાં ગંભીર બીમારીમાં ડૉક્ટરનાં સલાહ-સૂચના પ્રમાણે આહારમાં તલનો સમાવેશ કરી શકાય છે.
• હાડકાંને મજબૂત બનાવવામાં ઉપયોગી
કાળા તલમાં કૅલ્શિયમ તથા ઝિંકની માત્રા ભરપૂર પ્રમાણમાં સમયોલી છે. કાળા તલનું ઠંડીમાં સેવન કરવાથી શરીરને હાડકાંની બીમારીથી સુરક્ષા પ્રદાન કરી શકાય છે.
- કાળા તલનો ઉપયોગ તંદુરીરોટી-નાનની ઉપર ભભરાવીને કરી શકાય છે.
- ઢોકળા -હાંડવામાં પણ કાળા તલને સજાવટ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
- ચિક્કી બનાવતી વખતે પણ સફેદ -કાળા તલની માત્રા એક સરખી લઈ શકાય છે.
- સલાડ-સૂપમાં શેકીને તૈયાર કરેલા કાળા તલનો ઉપયોગ કરી શકાય છે.
- મુરક્કુ કે ચકરી બનાવવામાં પણ સફેદ તલની સાથે કાળા તલનો ઉપયોગ પણ કરી શકાય છે.
- કુકીઝ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
@ કાળા તલનું કચરિયું
બજારમાં કચરિયું આસાનીથી મળી જતું હોય છે. તેમ છતાં ઘરમાં બનાવેલું શુદ્ધ કચરિયું બનાવવાનો આનંદ આજના કોરોનાકાળમાં વધુ મળે છે.
સામગ્રી : 100 ગ્રામ કાળા તલ, અડધો કપ ખજૂર, 1 ચમચી ગંઠોળા પાઉડર, 1 ચમચી સૂંઠ પાઉડર, અડધો કપ સૂકા કોપરાનું છીણ, સજાવટ માટે કાજુ-બદામ. 85 ગ્રામ ઝીણો સમારેલો ગોળ.
બનાવવાની રીત : તલને સૌ પ્રથમ અધકચરા વાટી લેવા. ગોળ, ખજૂર, સૂકા કોપરાનું છીણ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર બધું જ મિક્સરમાં અધકચરું વાટી લેવું.
વધુ પડતું વટાઈ જાય નહીં તેનું ધ્યાન રાખવું. અન્યથા તલમાંથી તેલ છૂટું પડી જશે. માટે ધીમે ધીમે ધકચરું વાટી લેવું. બરાબર વટાઈ જાય એટલે એક કથરોટમાં કાઢીને બરાબર હાથેથી ભેળવી લેવું. હવાબંધ ડબ્બામાં ભરીને ઉપરથી કાજુ-બદામથી સજાવીને તાજેતાજું ઉપયોગમાં લેવું. કાળા તલનું કચરિયું સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
તલનો ઠંડીમાં ભરપૂર માત્રામાં ઉપયોગ કરતાં સમયે તેમાં કાળા તલનો પણ સમાવેશ કરવાથી શરીરને વર્ષભરની આરોગ્યની ભેટ સ્વયંને આપ આપો છો.
No comments:
Post a Comment