"શૈક્ષણિક માહિતી + સ્પર્ધાત્મ્ક પરીક્ષાને લગતી માહિતી/પરીક્ષા વગેરેની માહિતી શેર કરવા માટે આ બ્લોગના માધ્યમથી એક નાનક્ડો પ્રયાસ કર્યો છે,આશા છે આપ સૌને ગમશે." - મારા આ બ્લોગમા આપનું સ્વાગત છે.
-ગૌરાંગ પટેલ

Thursday, 30 December 2021

શિયાળામાં વિશિષ્ટ આકાર ધરાવતા શિંગોડા ખાવાના ફાયદા

શિયાળામાં વિશિષ્ટ આકાર ધરાવતા શિંગોડા ખાવાના ફાયદા
તમે ચાહો કે ન ચાહો, પરંતુ પ્રકૃતિ કે કુદરતના કરિશ્માની અજાયબી આશ્ર્ચર્ય પમાડે તેવી હોય છે. માનવીને બુદ્ધિમાન બનાવ્યા તો તેમણે સર્જેલી પ્રત્યેક વસ્તુમાં ગુણો તથા રૂપનો ખજાનો પણ સમાવી દીધો. પશુ-પંખીને પણ ખાસ રંગ-રૂપ-અવાજની ભેટ આપી તો ફળ-ફૂલને પણ રંગબેરંગી બનાવીને ખાસ સુગંધ તથા પૌષ્ટિકતા સમાવી દીધી. ઝરણાં-તળાવ-નદી-દરિયાનાં પાણીમાં પણ રંગની મહેફિલ જમાવીને સર્વસ્વ એક અજ્ઞાત શક્તિની અનુભૂતિ માનવીને કરાવી છે. 

હવે ખાસ વાત તો એ છે કે માનવીને સો ટકા ખ્યાલ છે કે કુદરતની અજાયબી પાસે તે વામણો છે. તેમ છતાં પોતાના ગર્વમાં રહીને પ્રાકૃતિક સંપત્તિને અકારણ નુકસાન પહોંચાડતો રહે છે. ક્યારેક તો પોતાના સ્વાર્થ ખાતર પણ પાંદડાં તોડીને કે ફૂલો ચૂંટીને બે મિનિટ સૂંઘીને જમીન ઉપર ફેકી દે છે કે પછી ગમે ત્યાં કચરો ફેંકીને કંઈ બન્યું જ નથી તેમ ગર્વથી ફરવા લાગે છે. એટલે જ એવું લાગી રહ્યું છે કે ઈશ્ર્વરે કે કુદરતે માનવીને શીખ આપવા અદૃશ્ય વાઇરસને ધરતી ઉપર છોડીને અભિમાનમાં બેધ્યાન બનેલા માનવીના ગર્વને તોડવાની શરૂઆત કરી દીધી છે. હજી પણ સમય વીતી ગયો નથી. આપણે ચેતી જવાની જરૂર છે.
ફળ તો તમે અનેક ચાખ્યાં હશે, જેમ કે કેળાં, કેરી, દ્રાક્ષ, દાડમ, પપૈયું, સક્કરટેટી, સંતરા તથા શિંગોડા. પ્રત્યેકનો આકાર તથા રંગ-સ્વાદ અદ્ભુત જોવા મળે છે. પછી ભલેને નાની અમથી દ્રાક્ષ હોય કે દાડમ, કેરી હોય કે કેળાં, પપૈયું હોય કે સક્કરટેટી કે પછી વિશિષ્ટ આકાર ધરાવતું ફળ શિંગોડા હોય. દરેક માનવીમાં જેમ ખાસ ગુણો છુપાયેલા હોય છે તે જ પ્રમાણે પ્રત્યેક ફળમાં પણ ખાસ ગુણો સમાયેલા હોય છે.
શિંગોડાના આકારની વાત કરીએ તો ત્રિકોણ જોવા મળે છે. ખાસ કરીને શિયાળામાં તે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિંગોડા તેના વિશિષ્ટ સ્વાદને કારણે પોતાની આગવી ઓળખ ધરાવે છે. શિંગોડા માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે, આથી તેમને નૈવેદ્ય ધરાવતી વખતે શિંગોડા ખાસ ધરાવવામાં આવે છે. એવી પણ લોકવાયકા છે કે માતા લક્ષ્મીને શિંગોડાનો ભોગ ધરાવવાથી તે ભક્તોની મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે. 

શિંગોડાનો ઉપયોગ ફરાળમાં પણ ખાસ કરવામાં આવે છે. શિંગોડા લીલા તથા સૂકા તેમ બે પ્રકારના બજારમાં મળતા હોય છે. લીલા શિંગોડાનો રંગ લીલો હોય છે. વળી તેના બહારના પડ ઉપર બે-ત્રણ કાંટા પણ ઊગેલા જોવા મળે છે. સામાન્ય રીતે તળાવના પાણીમાં શિંગોડાનો પાક લેવામાં આવે છે. તેના પાનનો આકાર ત્રિકોણ તથા મુલાયમ હોય છે. તેનાં ફૂલ તળાવના પાણીની બહાર દેખાતાં હોય છે. શિંગોડાનું ફળ ત્રિકોણ ચપટું જોવા મળે છે. ફળની ઉપર ખાસ પડ જોવા મળે છે, જે અંદરના ફળને મુલાયમ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાં બીજ સફેદ રંગનાં હોય છે. શિંગોડાનાં મૂળિયાં પાણીમાં ડૂબેલાં લીલા રંગનાં જોવા મળે છે. 

લગભગ બધાને જ અનુભવ હશે કે વડીલો વારંવાર કહેતા કે મોસમી ફળનો આનંદ માણવો જ જોઈએ. શિયાળામાં મળતા ફળ તરીકે ઓળખ ધરાવતા શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી અનેક રોગમાં ફાયદો થાય છે, જેમ કે વાત-પિત્ત-કફને ઘટાડવાની સાથે વીર્યને વધારવામાં, ગાઢું બનાવવામાં મદદ કરે છે. રક્તપિત્ત તથા મોટાપાને ઘટાડવા માગતી વ્યક્તિએ પણ શિંગોડાનો આહારમાં મોસમી ફળ તરીકે ઉપયોગ કરવો જોઈએ. 

શિંગોડાનું વૈજ્ઞાનીક નામ છે ટ્રાપા નટન્સ (Trapa natans). તે લીથ્રેસી (Lythraceae) કુળનું ફળ ગણાય છે. અંગ્રેજીમાં તેને વૉટર કેલ્ટ્રોપ કે ઈન્ડિયન વૉટર ચેસ્ટનટ કે સિંગારા નટ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ત્રિકોણફલ કે જળફળ કહેવામાં આવે છે. ગુજરાતીમાં શિંઘ્રોડા કે શિંગોડા, બંગાળીમાં પાનિફલ, મરાઠીમાં સિંગાડા કે સિંઘાડે કે શેંગાડે, તેલુગુમાં કુબ્યકમ, તમિળમાં ચિંમકારા, પંજાબીમાં ગૉનરી કહેવામાં આવે છે.

100 ગ્રામ કાચા શિંગોડામાં 97 કેલરી, 0.1 ગ્રામ ફેટ, 23.9 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ પ્રોટીન તથા રાઈબોફ્લેવિન પણ સમાયેલું જોવા મળે છે. શિંગોડામાં વિટામિન એ, વિટામિન સી, સેટ્રિક એસિડ, ફોસ્ફરસ, નિકોટિનિક એસિડ, મેંગેનીઝ, થિયામિન, કૅલ્શિયમ, ઝિંક તથા સોડિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી પ્રોટીન ડાયેટરી ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ સારું હોવાને કારણે શિંગોડાનો ઉપયોગ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કરવો આવશ્યક છે.

શિંગોડાનો પાક મુખ્યત્વે બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, તથા મધ્ય પ્રદેશમાં થાય છે. તળાવમાં તેની ખેતી કરવામાં આવે છે.  

© શિંગોડાના આરોગ્યપ્રદ ફાયદા
• ડિહાઈડ્રેશનની તકલીફમાં ગુણકારી
ઠંડીની મોસમમાં લોકો સામાન્ય રીતે પાણી પીવાનું ઘટાડી દેતા હોય છે. ગરમીમાં પાણીની તરસ લાગતી હોય છે તેટલી ઠંડીની મોસમમાં લાગતી નથી. અનેક વખત પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની તકલીફ થવા લાગે છે, આથી ઠંડીમાં ડિહાઈડ્રેશનની તકલીફ દૂર કરવામાં શિંગોડા લાભકારી ગણાય છે. શરીરને ઠંડક આપવાની સાથે વારંવાર દસ્તની તકલીફમાં પણ ફાયદેમંદ ગણાય છે.

• ત્વચાને ચમકદાર બનાવે છે
શિયાળામાં બીજી ખાસ તકલીફ ત્વચા સૂકી પડવાની થાય છે. આવા સંજોગોમાં શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરમાં પાણીની ઊણપ દૂર થાય છે. ત્વચા સૂકી પડતી અટકે છે. ત્વચામાં મોઈશ્ર્ચરની માત્રા જળવાઈ રહેવાને કારણે બરછટ બનતી અટકે છે.

• અનિદ્રાની તકલીફમાં લાભદાયી
શિંગોડામાં પોલિફેનોલિક તથા ફ્લેવોનોઈડ નામક ઍન્ટિ-ઑક્સિડન્ટ સમાયેલાં છે. વળી ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-કેન્સરના ગુણો પણ શિંગોડામાં ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે. શિંગોડાનું સેવન પ્રમાણભાન સાથે કરવાથી અનિદ્રાની તકલીફમાં રાહત મળે છે.

• કમળામાં ફાયદાકારક
શિંગોડામાં ડિટોક્સિફિકેશનના ગુણો સમાયેલા છે, આથી કમળાની તકલીફમાં તે અત્યંત ગુણકારી ગણાય છે. તેને કાચા ખાવાથી કે તેનો જ્યુસ બનાવીને પીવાથી દર્દીના શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. તેને લીધે કમળાના દર્દીને રાહત મળે છે.

• એડી ફાટી જવાની તકલીફમાં ગુણકારી
શિયાળામાં એડી ફાટી જવાની તકલીફ ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે. એડી ફાટી જવાનું મુખ્ય કારણ શરીરમાં મેંગેનીઝની ઊણપ ગણાય છે. શિંગોડા એક એવું ફળ છે જેમાં મેંગેનીઝની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વળી તેના સેવાનથી શરીરમાં લોહીની ઊણપ જણાતી હોય તેમને ફાયદો થાય છે.

• થાઈરોઈડ રોગમાં લાભદાયક
શિંગોડા શરીરને પૂરતા પ્રમાણમાં ઊર્જા બક્ષે છે, આથી ઉપવાસમાં તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. શિંગોડાના લોટનો શીરો, શિંગોડાના લોટનાં થેપલાં, શિંગોડાના લોટની સેવ, શિંગોડાના લોટની કઢી વગેરે સરળતાથી બનાવીને ખાઈ શકાય છે. શિંગોડામાં આયોડિનની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે, આથી ગળાના રોગમાં રક્ષણ પૂરું પાડે છે. શિંગોડાનો ઉપયોગ આહારમાં કરવાથી થાઈરોઈડ ગ્રંથીને તેનું કામ સુચારુ રૂપથી કરવામાં સહાય મળે છે. થાઈરોઈડની સમસ્યા હોય તેમને માટે શિંગોડા અત્યંત ગુણકારી ફળ ગણાય છે.

• હાડકાં મજબૂત બનાવે છે
શિંગોડામાં કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે, જેથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી હાડકાં બરડ બનવાની તકલીફમાં રાહત મળે છે. દાંતની મજબૂતાઈ જાળવી રાખવામાં પણ મદદ મળે છે. શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ પ્રદાન કરે છે. 

• ગર્ભાવસ્થામાં ગુણકારી 
સિંગોડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન સમાયેલું હોય છે. વળી આયર્ન તથા ફોલેટની માત્રા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. ગર્ભાવસ્થામાં શરીરમાં ફોલેટની માત્રા જળવાઈ રહે તે ગર્ભસ્થ શિશુના વિકાસ માટે આવશ્યક છે. આયર્નની પૂરતી માત્રા શરીરમાં લાહીની ઊણપ દૂર કરવામાં મદદ કરે છે. 
એવું પણ કહેવાય છે કે ગર્ભાવસ્થાના છેલ્લા માસમાં શિંગોડાનું સેવન કરવાથી પ્રસૂતિની પીડાથી બચી શકાય છે.